આલુ કરી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આલૂ એટલે કે બટાકા બધા ને જ ભાવે. એનું શાક હોય એટલે કોઈ ખાવાની ના પડે જ નહિ. બટાકા ના શાક તો અલગ અલગ જાત ના બનતા જ હોય પણ અહીંયા હું એક નવી જ રેસીપી લઇ ને આવી છું આલૂ કરી. આ આલૂ કરી ભાત જોડે ખાવા માં આવે છે. ખાલી ભાત અને આલૂ કરી, જોડે દાળ ની જરૂર નથી પડતી. પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ એક વાર જરૂર બનાવજો આ આલૂ કરી. તો આજે જ જાણી લો આલૂ કરી બનાવાની રેસીપી.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
આલુ કરી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૪ મોટા બટાકા, બાફેલા
- ૨ ચમચી તેલ
- ૪ લીલા મરચા (સ્વાદ અનુસાર લેવા)
- ૧/૨ ચમચી જીરું
- ચપટી હિંગ
- ૪ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
આલુ કરી રેસીપી બનાવવા ના સ્ટેપ:
બાફેલા બટાકા ની છાલ ઉતારીને સમારી લેવા
એક મિક્ષર જાર માં લીલા મરચા અને અડધો કપ પાણી મિક્ષ કરી ને પીસી લેવું
એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો
જીરું ફૂટી જાય એટલે તેમાં હિંગ અને બાફેલા બટાકા મિક્ષ કરો
હવે તેમાં પીસેલી લીલા મરચા ની પેસ્ટ, મીઠું અને ૩ કપ પાણી ઉમેરો અને ઉકળે ત્યાં સુધી રાહ જોવો
થોડું ઉકળી જાય એટલે ચમચા વડે થોડા બટાકા ને છૂંદી લેવા જેથી કરી થોડી ઘટ્ટ થઇ જાય
હવે ૫ મિનિટ સુધી તેને ઉકળવા દો
પછી તેમાં કોથમીર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો
આ આલુ કરી ને ભાત જોડે પીરસવા માં આવે છે