બાદશાહી ખીચડી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ખીચડી નું તો નામ સાંભળી ને જ ઘણા બધા મોઢું બગાડે. પણ જો તમે અલગ અલગ જાત ની ખીચડી બનાવશો તો એવું નહી થાય. એટલે જ હું આજે એક નવી મજા ની સરસ ખીચડી લાવી છું. આ ખીચડી બનાવની રીત તમે ક્યાંય નહી જોઈ હોય કે સાંભળી હોય. આ એક અલગ પ્રકાર થી બનાવેલી ખીચડી છે. જે તમે કોઈ મેહમાન આવ્યા હોય ને તો પણ બનાવી શકો છો. અને સાચું માનજો કે બધા ને બહુ મજા આવશે આ ખાવાની અને જો તમે આ બનાવી હશે ને તો લોકો તમારા વખાણ પણ કરશે. તો આજે જ બનાવજો આ બાદશાહી ખીચડી તમારા ઘરે. ઉપર થી આ બાદશાહી ખીચડી એ શાક્ભાજી થી ભરપૂર છે. આજે જ બનાવો બાદશાહી ખીચડી રેસીપી.
તૈયારીનો સમય:20 મિનિટ
બનાવવા નો સમય:30 મિનિટ
વ્યક્તિ માટે:4
બાદશાહી ખીચડી રેસીપી બનાવવાની સામગ્રી:
- 1 કપ ચોખા
- 1/2 કપ તુવર દાળ
- 1 મોટું બટાકુ, ૧ ઇંચ જેટલા ટુકડા સમારેલા
- 2 મધ્યમ ડુંગળી , સ્લાઈસ કરેલી
- 1 ½ કપ ફુલાવર ના ટુકડા,
- 1 કપ રીંગણ ના ટુકડા
- 1 કપ લીલા વટાણા, ફોલેલા
- 1 કપ સુરતી પાપડી, ફોલી ને ટુકડા કરેલી (વાલોર પાપડી પણ ચાલે)
- 1 cup લીલા તુવર ના દાણા
- 1 મધ્યમ ટામેટું , સમારેલું
- 6 – 7 લસણ ની કળી, સમારેલી
- 2 લીલા મરચાં, સમારેલા (સ્વાદ અનુસાર નાખવા)
- 4 ચમચી તેલ,
- 1/2 ચમચી આખું જીરું
- 1 ચમચી રાય ના દાણા
- 1/2 ચમચી હળદળ
- 1 ચમચી લાલ મરચાં નો પાવડર
- 1/2 ચમચી ધાણાજીરું નો પાવડર
- 1/2 ચમચી હિંગ
- 1 તમાલ પત્ર
- 2 કાળા મરી
- 2 લવિંગ
- 1 તજ નો નાનો ટુકડો
- 1 સૂકું લાલ મરચું
- મીઠું સ્વાદ અનુસાર
- લીલી કોથમીર, સમારેલી
બાદશાહી ખીચડી રેસીપી બનાવવા ના સ્ટેપ:
ચોખા અને દાળ ને ધોઈ ને અડધો કલાક પાણી માં પલાળવા દો.
ખીચડી બનાવા માટે, એક કૂકર માં ૩ કપ પાણી, દાળ, ચોખા, 1/4 ચમચી હળદળ, મીઠું મિક્સ કરી હલાવો. કૂકર નું ઢાંકણું બંધ કરી એને ૩ સીટી વગાડો અથવા તો ખીચડી થાય ત્યાં સુધી ચડવા દો.
કૂકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણું ખોલી નાખો અને એક બાજુ મુકો.
હવે એક કઢાઈ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાય, જીરું નાખી ફૂટવા દો.
રાય, જીરું તતડી જાય એટલે એમાં લવિંગ, મરી, તમાલ પત્ર, તજ, સૂકું લાલ મરચું, હિંગ, 1/2 ચમચી હળદળ , લસણ નાખી હલાવો.
એમાં ડુંગળી અને લીલા ઉમેરી ૩ મિનિટ સુધી સાંતળો.
એમાં બધા જ શાક્ભાજી (બટાકા, રીંગણાં, પાપડી, વટાણા, તુવર દાણા, ફુલાવર) , લાલ મરચું, ધાણાજીરું પાવડર, મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.
કઢાઈ ને ઢાંકી ને શાક ને ચડવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રેહવું એટલે શાક નીચે બેસી ના જાય.
શાક ચડી જાય એટલે ગેસ બંધ કરી દો. અને શાક ના ૪ સરખા ભાગ કરો. અને ખીચડી ના ૩ સરખા ભાગ કરો.
હવે એક પહોળી કઢાઈ અથવા તપેલા માં નીચે 1 શાક નું થર(layer) પાથરો, એની ઉપર ખીચડી નું થર પાથરો. ફરી થી એની ઉપર શાક નું થર પાથરો અને એની પાર ખીચડી નું. એવી રીતે થર બનાવા.
હવે એને ઢાંકી ને 3 - 5 મિનિટ ધીમા ગેસ પર મુકો. પછી ગેસ બંધ કરો. લીલી કોથમીર થી સજાવો.
ગરમ ગરમ ખીચડી ને ઘી સાથે પીરસો.