ભરેલા ગલકા નું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો ફટાફટ જાણી લો આ ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત અને એક વાર તો જરૂર થી બનાવજો આ ભરેલા ગલકા નું શાક.
તૈયારીનો સમય:૫-૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦-૧૫ મિનિટ
વ્યક્તિ માટે:4
ભરેલા ગલકા નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૫૦૦ ગ્રામ ગલકા
- ૧/૨ કપ સીંગદાણા નો ભૂકો
- ૧૦-૧૨ કળી લસણ
- ૧ ચમચી લાલ મરચું
- ૧ ચમચી ધાણાજીરું
- ૧/૪ ચમચી હળદર
- ૪ ચમચી લીલી કોથમીર, સમારેલી
- ૧/૪ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૫ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ભરેલા ગલકા નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
ગલકા ને બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો
હવે એક ખાંડણી માં લસણ અને લાલ મરચું મીક્ષ કરી તેને ખાંડી લો અને લસણ ની ચટણી બનાવી લો
એક વાસણ માં ખાંડેલી લસણ ની ચટણી, સીંગદાણા નો ભુક્કો, ધાણાજીરું, હળદર, લીલી કોથમીર, ખાંડ, મીઠું અને ૧ ચમચી તેલ મીક્ષ કરો અને મસાલો બનાવી લો
હવે ગલકા ને લો અને તેને ઉભો એક બાજુ થી ચીરો પાડો ગલકા બહુ મોટા હોય તો તેના ૨-૩ ટુકડા કરી દેવા
હવે આ ગલકામાં બનાવેલો મસાલો ભરી દો વધેલો મસાલો એક બાજુ મૂકી રાખો
કઢાઈ માં ૪ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમ ભરેલા ગલકા ઉમેરો અને મીક્ષ કરો
કઢાઈ ને ઢાંકી દો અને ધીમા ગેસ પર ૮-૧૦ મિનિટ સુધી ચડવા દો વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ગલકા બધી બાજુ શેકાય જાય
હવે તેમાં વધેલો મસાલો મીક્ષ કરો અને ઢાંકીને ફરી થી ૫ મિનિટ સુધી રહેવા દો જરૂર પડે તો ઉપર થી મીઠું ઉમેરવું
પછી ગેસ બંધ કરી દો અને શાક ને સર્વ કરવાના બાઉલ માં કાઢી લો તૈયાર છે ગલકાનું ભરેલું શાક