ભાત ના દહીંવડા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ઘણી વાર ઘર માં ભાત બનાવ્યા હોય તો બહુ બધા વધી જતા હોય છે. મોટા ભાગે તો આપણે એ ભાત ને વઘારી ને ખાઈ એ છે અથવા તો તેમાં થી મુઠીયા બનાવીએ છે. પણ અહીંયા હું એ વધેલા ભાત માંથી કંઈક અલગ, સ્વાદિષ્ટ અને બધા ને મનભાવતી વાનગી બનાવાની રીત બતાવી રહી છું અને એ છે દહીંવડા. હા વધેલા ભાત માંથી પણ બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી દહીંવડા બને છે. એક વાર જો તમે આ રીતે દહીંવડા બનાવશો તો પછી તો ઘણી બધી વાર બનાવશો. બાળકો તો આ દહીંવડા ખાઈ ને બહુ ખુશ થઇ જશે. તો ફટાફટ જાણી લો બચેલા ભાત માંથી દહીંવડા બનાવાની રીત, અને કરી દો ઘર ના બધા ને ખુશ.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
ભાત ના દહીંવડા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ કપ વધેલા ભાત
- ૩ કપ દહીં
- ૧ ચમચી આદુ, સમારેલું
- ૩ લીલા મરચા
- ૧/૪ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી સેકેલા જીરું નો પાઉડર
- ૧ ચમચી સંચરળ
- ૧ ચમચી તેલ
- ૨ લાલ સૂકા મરચા
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી આખી મેથી ના દાણા
- ૭-૮ મીઠા લીમડાના પાન
- ૩ ચમચી લીલી કોથમીર, સમારેલી
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
ભાત ના દહીંવડા રેસીપી બનાવવા ના સ્ટેપ:
મિક્ષર જાર માં ભાત, આદુ, લીલા મરચા, ૨ ચમચી લીલી કોથમીર મિક્ષ કરો અને પીસી લો.
હવે કડાઈ માં તેલ ગરમ કરો અને ભાત ના બનાવેલા ખીરું માંથી નાના નાના વડા મુકો.
વડા ને આછા સોનેરી રંગ ના તળી લો.
હવે એક વાસણ માં દહીં લો અને તેમાં સંચરળ મિક્ષ કરો દહીં ને હાથ થી એક રસ થાય ત્યાં સુધી હલાવો.
હવે એક બાઉલ માં થોડું દહીં નાખો તેની પર તળેલા વડા મુકો અને બચેલું બધું દહીં તેની ઉપર રેડી દો.
એક વઘારીયા માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીરું, આખી મેથી, લીમડો, સૂકા મરચા, લાલ મરચું, જીરું પાઉડર મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો.
આ વઘાર ને દહીંવડા પર રેડી દો.
બચેલી કોથમીર ને ઊપર થી ભભરાવો.
તૈયાર છે બચેલા ભાત ના દહીંવડા.