ફાફડા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
ફાફડા નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી ગયું ને! ફાફડા એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. રોજ સવારે ફરસાણ વાળા ની દુકાન એ ગરમ ગરમ ફાફડા લેવા માટે ગુજરાતીઓ પહોંચી જાય છે. એમાં ખાસ કરી ને રવિવાર ના દિવસે. ફાફડા ને કઢી, પપૈયા ની ચટણી અને તળેલા મરચા જોડે ખાવામાં આવે છે. ફાફડા બનવવા માટે સીંગતેલ નો ઉપયોગ કરવા માં આવે તો તેનો સ્વાદ બહુ જ સરસ આવે છે. ગુજરાત માં દશેરા ના દિવસે પણ ફાફડા જલેબી ખાવામાં આવે છે. એ દિવસે તો સૌથી વધારે ફાફડા જલેબી વહેંચાય છે અને ફરસાણ વાળા તો કેટલા દિવસ થી ફાફડા બનાવી ને રાખતા હોય છે. પણ જો આપણે આ બહાર જેવા ફાફડા ઘરે જ બનાવી શકતા હોઈએ તો બહુ મજા આવે. મેં અહીંયા બહાર જેવા જ ફાફડા બનાવવાની રેસીપી અહીંયા બતાવી છે. તો ફટાફટ જાણી લો બહાર દુકાન જેવા ફાફડા ઘરે બનાવવાની રીત.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦-૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ફાફડા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૨ કપ ચણા નો લોટ
- ૧/૪ ટી સ્પૂન બેકિંગ સોડા
- ચપટી હિંગ
- ૧/૪ ચમચી અજમો
- ૧/૪ ટી સ્પૂન હળદર
- ૨ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
- તળવા માટે તેલ
ફાફડા રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક મોટા વાસણ માં ચણા નો લોટ, બેકિંગ સોડા, હિંગ, અજમો, હળદર, ૨ ચમચી તેલ, મીઠું મીક્ષ કરો
તેમાં થોડું અથવા જરૂર પૂરતું પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી લો
હવે લોટ પર થોડું તેલ રેડો અને લોટ ને મસળો જરૂર પડે તો ૧ ચમચી જેટલું પાણી ઉમેરવું
લોટ ને બરાબર ૫-૭ મિનિટ સુધી મસળો લોટ બરાબર મસળાયી જશે એટલે હાથ માં ચોંટતો બંધ થઇ જશે અને સોફ્ટ લોટ તૈયાર થશે
હવે તેને ઢાંકી ને ૩૦ મિનિટ માટે એક બાજુ મૂકી દો
હવે ફાફડા બનાવવા માટે એક મોટો લાકડાનો પાટલો લો અને તેના પર તેલ ચોપડો
હવે લોટ માંથી થોડો લોટ લો અને તેને હાથ વડે વણી લંબગોળ લુઓ બનાવો
હવે આ લંબગોળ લુઆ ને પાટલા પર સીધો મુકો અને હથેળી વડે થોડો દબાવીને એક બાજુ ખાલી પાટલા પર ખેંચો જેથી ફાફડો બની જાય
હવે આ ફાફડા ને ચપ્પા વડે ઉખાડી લો અને ગરમ તેલ માં મુકો
હવે આ ફાફડાને ગરમ તેલ માં આછા સોનેરી રંગ નો તળી લો
ગરમ ગરમ ફાફડા ને કાઢી, પપૈયાની ચટણી , લીલા મરચા જોડે પીરસો