ગલકા નું છાશિયું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
અત્યારે ઉનાળા માં ગણી ને શાક આવે એમાં ગલકા, દૂધી અને તુરીયા બહુ આવે. રોજ એક નું એક શાક ખાઈ ને મજા પણ ના આવે. એટલે હું અહીંયા તમારા માટે ગલકા ના એક નવા જ શાક ની રેસીપી લાવી છું. આ ટ્રેડિશનલ અને ભલે ગયેલું કાઠિયાવાડી શાક છે. આ શાક નું નામ છે ગલકા નું છાશિયું શાક. આમ તો આ એક કાઢી જેવું શાક હોય છે જે ખાવાની બહુ જ મજા આવે છે. આ શાક નું નામ તમે કદાચ જ સાંભળ્યું હશે અને આ ગલકા ના છાશિયું શાક ની રેસીપી તમને ક્યાંય જોવા નહિ મળે. કાઠિયાવાડી લોકો કદાચ તેમના ઘરે આ ગલકા નું છાશિયું શાક બનવતા હશે પણ બધા નહિ બનાવતા હોય. તો ફટાફટ જાણી લો આ નવીન ક્યાંય નહિ સાંભળેલી ગલકા ના છાશિયા શાક ની રેસીપી અને એક વાર જરૂર થી ઘરે બનાવજો આ ગલકા નું છાશિયું શાક.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
ગલકા નું છાશિયું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ ગલકા
- ૭-૮ કળી લસણ
- ૨ ચમચી તેલ
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી હળદર
- ૧/૨ ચમચી ધાણાજીરું
- ચપટી હિંગ
- ૧ કપ દહીં
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
ગલકા નું છાશિયું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
ગલકા ને ધોઈ ને એની છાલ ઉતારી લો
હવે એક કૂકરમાં છાલ ઉતારેલા ગલકા, ૧ કપ પાણી અને મીઠું નાખી ને બાફી લો
હવે ખાંડણી માં લસણ અને લાલ મરચું ભેગું કરીને ખાંડી લો અને લસણ ની ચટણી બનાવી લો
કૂકરમાંથી હવા નીકળી જાય એટલે તે ગલકા માં દહીં, ૧ કપ પાણી ઉમેરો અને તેમાં બ્લેન્ડર ફેરવી લો જેથી બધું એક રસ થઇ જાય
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
જીરું ફૂટી જાય એટલે તેમાં હિંગ, હળદર અને લસણ ની ખાંડેલી ચટણી ઉમેરીને હલાવો
હવે તેમાં પીસેલું ગલકાનું મિશ્રણ ઉમેરી દો અને ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું મીક્ષ કરો
હવે ગેસ બંધ કરી દો અને તેમાં કોથમીર મીક્ષ કરી દો
આ ગલકા નું છાશિયું શાક ભાખરી અને રોટલા જોડે પીરસવા માં આવે છે.