ગુંદા નું અથાણું રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વળી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો.
તૈયારીનો સમય:૩૦ મિનિટ
બનાવવા નો સમય:૪ મિનિટ
ગુંદા નું અથાણું રેસીપી બનાવવાની સામગ્રી:
- ૫૦૦ ગ્રામ ગુંદા
- ૨૫૦ ગ્રામ કાચી કેરી
- ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
- ૧૫૦ ગ્રામ તેલ
- ૧/૨ ચમચી હિંગ
- ૨ લીંબુ નો રસ
- ૧ ચમચી હળદર
- મીઠું સ્વાદ અનુસાર
ગુંદા નું અથાણું રેસીપી બનાવવા ના સ્ટેપ:
ગુંદા ને ધોઈ ને બરાબર કોરા કરી લેવા
ગુંદા માં એક સાઈડ થી કાપ મુકવો અને ઠળિયો કાઢી લેવો
આવી રીતે બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવા
હવે એક વાસણ માં લીંબુ નો રસ, હળદર, ૧ ચમચી મીઠું અને ૧/૪ કપ પાણી મીક્ષ કરો
હવે એક ગુંદા લો અને તેને આ પાણી માં બોળી ને ધોઈ લો પછી બધું પાણી નિતારી લો અને એક બાજુ કોરું થવા ઊંધું મૂકી દો
આવી રીતે બધા ગુંદા ને પાણી થી સાફ કરી લો જેથી ચિકાસ નીકળી જાય
કેરી ની છાલ ઉતારી લો અને તેને છીણી લો
એક વાસણ માં છીણેલી કેરી અથાણાં નો મસાલો અને જરૂર પૂરતું મીઠું મીક્ષ કરો
આ મસાલા ને ગુંદા માં ભરી લો અને વધેલો મસાલો ઉપર થી ગુંદા માં મીક્ષ કરો
હવે એક વાસણ માં તેલ ગરમ કરો તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેમાં હિંગ ઉમેરો
આ તેલ ઠંડુ થઇ જાય પછી ગુંદા ના અથાણાં માં ઉમેરી દો
અથાણું ઢાંકી ને ૩-૪ દિવસ રહેવા દો
તૈયાર છે ગુંદા નું અથાણું