કાચી કેરી નું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
કાચી કેરી બધા ને જ બહુ ભાવે. કાચી કેરી જેટલી સરસ લાગે એટલું જ સરસ અને સ્વાદિષ્ટ એનું શાક પણ લાગે છે. અત્યારે ઉનાળા ની ઋતુ માં કાચી કેરી બહુ આવે એટલે તેમાં થી આ કાચી કેરી નું શાક બનાવી ને ખાવું જ જોઈએ. આ કાચી કેરી નું શાક બાળકો પણ હોંશે હોંશે ખાય છે. આ શાક ખુબ જ ચટપટું અને ખાટું મીઠું હોય છે. આ શાક માં તમે થોડો અથાણાં નો મસાલો પણ ઉમેરી શકો છો. મેં અહીંયા એ ઉમેર્યો નથી પણ તમે ઈચ્છો તો ઉમેરી શકો છો. તો ચાલો ફટાફટ જાણી લો આ ચટપટું અને ખાટું મીઠું કેરી નું શાક બનાવાની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૧૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
કાચી કેરી નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨ કાચી કેરી, સમારેલી
- ૩ ચમચી ગોળ અથવા સ્વાદ અનુસાર
- ૧/૨ ચમચી જીરું
- ૧ ચમચી લાલ મરચું
- ૧/૨ ચમચી હળદર
- ૧ ચમચી ધાણાજીરું
- ૨ ચમચી તેલ
- મીઠું સ્વાદ અનુસાર
કાચી કેરી નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો
જીરું તતડી જાય પછી તેમાં હળદર અને કાચી કેરી મીક્ષ કરો અને કેરી ને ૩-૪ મિનિટ સુધી સાંતળો
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું અને મીઠું મિક્સ કરો
પછી તેમાં ગોળ મીક્ષ કરો અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી શાક ને હલાવો
શાક ને ૧ મિનિટ સુધી ચડવા દો
શાક ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો અને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો
કેરી નું શાક ૫-૭ દિવસ સુધી સારું રહે છે