ખજૂર નું અથાણું રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
મિત્રો, આપણે ગુજરાતીઓ અવનવા અથાણાં ના ખુબ શોખીન છીએ રોજ રોજ નવીન અથાણાં બનાવતા રહીયે છીએ આજે હું આપ સહુ માટે ખજૂર ના અથાણાની રીત લાવી છું ખજૂર આમ જોવા જઇયે તો ઘણા ને ભાવતો નથી થોડો ખાવા થી જ ગળપણ ને લઇ ને વધારે ખાઈ શકાતો નથી પણ અથાણાં ના સ્વરૂપ માં ખાવાથી તે સ્વાદિષ્ટ લાગે છે અને તે રીતે ખજૂર આપણે વધારે ખાઈ શકીયે છીએ આમ પણ ખજૂર ખુબ પૌષ્ટિક હોય છે તો જોઈએ ખજૂર નું અથાણું.
તૈયારીનો સમય:૩૦ -૪૫ મિનિટ
ખજૂર નું અથાણું રેસીપી બનાવવાની સામગ્રી:
- ૧ કિલો ખજૂર
- ૧ કિલો લીંબુ નો રસ
- ૫૦૦ ગ્રામ ખાંડ
- ૨૦૦ ગ્રામ અથાણાં નો મસાલો
ખજૂર નું અથાણું રેસીપી બનાવવા ના સ્ટેપ:
સૌ પ્રથમ ખજૂર ને ધોઈ ને એક કોટન ના કપડાં પર કોરી કરી લેવી.
ધોવા થી ખજૂર એકદમ સ્વચ્છ થઇ જશે.
ત્યાર પછી ખજૂરમાંથી ઠળિયા કાઢી બે ભાગ કરી લેવા.
૧ કિલો લીંબુ નો રસ કાઢી ને ગાળી લેવો.
હવે આ લીંબુ ના રસ માં ખાંડ મિક્સ કરવી અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને બરાબર હલાવવું.
ત્યાર પછી તેમાં ખજૂર ના કટકા અને અથાણાં નો મસાલો મિક્સ કરો અને બરાબર હલાવો.
હવે આ અથાણાં ને ઢાંકી ને એક બાજુ મૂકી દો અને ૨ -૩ દિવસ પછી બરાબર હલાવી ને બરણી માં ભરી દેવું.
જો અથાણાં માં ખટાશ વધુ લાગે તો ખાંડ વધારે નાખી શકો છો.
અને અથાણાં નો મસાલો વધારે પસંદ હોય તો તે પણ ઉમેરી શકો છો.
બસ તૈયાર છે ખજૂર નું અથાણું.
(ખજૂર ના અથાણાં માં રેગ્યુલર ખજૂર જ લેવો. કાળી કે બીજી પોચી ખજૂર ના લેવી કારણ કે પોચી ખજૂર એકદમ ઓગળી જશે અને અથાણું લચકા જેવું થઇ જશે )