લસણીયા બટાકા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બધા બહાર રેસ્ટોરન્ટ માં કાઠિયાવાડી જમવા તો જતા જ હશો અને ત્યાં લસણીયા બટાકા તો ઓર્ડર કરતા જ હશો. કાઠિયાવાડી લસણીયા બટાકા નું શાક બધાં ને બહુ જ ભાવે અને પ્રિય પણ હોય જ. પણ જો એ જ શાક ઘરે બનાવી એ તો કેવી મજા આવે. આમ તો લસણીયા બટાકા બનાવા બહુ જ સહેલા હોય છે. એમાં વધારે મેહનત પણ નથી કરવી પડતી હોતી. વળી એમાં બહાર થી કોઈ સમાન પણ લાવવાની જરૂર પડતી નથી. ઘરે જે સામગ્રી હોય તેમાં થી જ આ લસણીયા બટાકા બની જાય છે અને રોજ એક ના એક બટાકા ના શાક કરતા કંઈક અલગ પણ લાગે છે. મેહમાન જમવા આવ્યા હોય ત્યારે પણ જો આ લસણીયા બટાકા બનાવી એ તો બધા આપણા વખાણ પણ કરશે અને મેહમાન પણ ખુશ થઇ જશે. તો ફટાફટ જાણી લો રેસ્ટોરન્ટ જેવા લસણીયા બટાકા બનાવની રીત અને કરી દો બધા ને ખુશ.
તૈયારીનો સમય:૧૦ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
લસણીયા બટાકા રેસીપી બનાવવાની સામગ્રી:
- ૯ - ૧૦ નાના બાફેલા બટાકા
- ૨ ચમચી તેલ
- ૧૦-૧૨ કળી લસણ
- ૨ લીલા મરચા, સમારેલા
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- ૧-૨ આખા સૂકા મરચા
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી ધાણાજીરું
- ૧ ચમચી લાલ મરચું
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- મીઠું સ્વાદ અનુસાર
લસણીયા બટાકા રેસીપી બનાવવા ના સ્ટેપ:
લસણ ને ફોલી લો અને તેને ખાંડણી દસ્તા વડે ખાંડી લો.
એક કડાઈ ના તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
જીરું ફૂટી જાય એટલે તેમાં લસણ ઉમેરો અને અડધી મિનિટ સાંતળો.
હવે તેમાં હિંગ, આખા સૂકા લાલ મરચા અને હળદર મિક્ષ કરો.
પછી તેમાં બટાકા ના ટુકડા, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું મિક્ષ કરો.
તેમાં ૧ કપ પાણી ઉમેરો અને મધ્યમ ગેસ પર ૪-૫ મિનિટ રહેવા દો
હવે તેમાં લીલી કોથમીર મિક્ષ કરો અને ગરમ ગરમ સર્વ કરો.