મેથી દાળ નું શાક રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
બાળકો ને મેથી ખાવી ભાવે નહિ. એમાં થી થેપલા બનાવો તો ખાય પણ શાક બનાવો તો ખાય જ નહિ. બાળકો સાથ સાથે ઘણા મોટા લોકો પણ નથી ખાતા હોતા. પણ હવે ચિંતા કરશો નહિ કેમકે હું અહીંયા લઇ ને આવી છું મેથી દાળ નું શાક. જે ખાવા માં બહુ સ્વાદિષ્ટ હોય છે. એક વાર બનાવશો તો બધા જ મોજ થી ખાશે આ મેથી દાળ નું શાક. તો એક વાર જરૂર થી બનાવજો આ મેથી દાળ નું શાક.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ મિનિટ
મેથી દાળ નું શાક રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ મેથી, સમારેલી
- ૨ કપ મોગર દાળ, (મગ ની ફોતરાં વગર ની દાળ), બાફેલી
- ૩-૪ ચમચી ઘી
- ૧/૪ ચમચી સૂકી આખી મેથી
- ૧/૨ ચમચી જીરું
- ૧/૪ ચમચી હિંગ
- ૨ ચમચી લસણ, સમારેલું
- ૨ ચમચી લીલા મરચા, સમારેલા
- ૧ નાની ડુંગળી, સમારેલી
- ૨ નાના ટામેટા, સમારેલા
- ૧/૪ ચમચી હળદર
- ૧/૪ ચમચી લાલ મરચું
- ૧/૪ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી કોથમીર, સમારેલી
- ૧/૨ ચમચી આદુ, સમારેલું
- મીઠું સ્વાદ અનુસાર
મેથી દાળ નું શાક રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં ઘી ગરમ કરવા મૂકવું
ઘી ગરમ થઇ જાય એટલે એમાં જીરું, આખી મેથી ના દાણા અને લીલા મરચા ઉમેરો
જીરું શેકાય જાય એટલે એમાં હિંગ અને લસણ ઉમેરો અને લસણ આછા સોનેરી રંગ નું થાય ત્યાં સુધી શેકો
લસણ શેકાય જાય એટલે એમાં ડુંગળી ઉમેરવી અને ૩-૪ મિનિટ શેકવી
પછી તેમાં ટામેટા, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરો અને ૩-૪ મિનિટ સુધી સાંતળો
ટામેટા બરાબર શેકાય જાય એટલે તેમાં મેથી ઉમેરવી અને ૩-૪ મિનિટ સુધી મેથી ને શેકવા દેવી
૩-૪ મિનિટ પછી તેમાં બાફેલી મગ ની દાળ અને ૨ કપ પાણી ઉમેરવું અને ઉકળવા દેવું
ઉકળી જાય એટલે તેમાં આદુ ના ટુકડા અને કોથમીર ઉમેરવા અને બરાબર હલાવવું
પછી કડાઈ ને ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ ચડવા દેવું
પછી ઢાંકણ ખોલીને દાળ હલાવવી અને ચમચા વડે થોડી દબાવવી એટલે એક રસ થઇ જાય
હવે ગેસ ને બંધ કરી દો અને મેથી દાળ ને સર્વ કરો