પાન નો મુખવાસ રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
દરેક ગુજરાતી ના ઘરે મુખવાસ તો હોય જ. જમ્યા પછી મુખવાસ ખાવામાં આવે છે. મુખવાશ એ માઉથ ફ્રેશનર તરીકે વપરાય છે. મુખવાસ એ ઘણી બધી અલગ અલગ જાત ના હોય છે અને બનાવવામાં આવે છે. હવે તો બજાર માં બહુ જ બધી જાત ના મુખવાસ મળે છે. એમાં થી એક હોય છે પાન નો મુખવાસ, એમાં પણ ઘણી બધી જાત ના પાન ના મુખવાસ હોય છે. વળી પાન તો બધા ને જ બહુ ભાવે. જો પાન નો મુખવાસ ઘરે બનાવવા માં આવે તો એ બજાર કરતા સારી અને ઉત્તમ ગુણવતા નો બને છે. વળી બજાર ના મુખવાસ માં કલર પણ ઉમેરવા માં આવે છે અને ગમે તેવી વસ્તુ વાપરવામાં આવે છે. એટલે એના કરતા ઘરે જ પાન નો મુખવાસ બનાવી ને ખાવો જોઈએ. પાન નો મુખવાસ ઘરે પણ આસાની થી બની જાય છે. હું અહીંયા પાન ના મુખવાસ ની રીત બતાવી રહી છું. અહીંયા મુખવાસ માં મેં પાન માટે વપરાતી બધી જ વસ્તુઓ ઉમેરી છે. તમે જયારે આ પાન નો મુખવાસ બનાવતા હોય ત્યારે તમારે જે વસ્તુ ઉમેરવી હોય એ જ વસ્તુ ઉમેરવી. તમને ના ભાવતી હોય એવી વસ્તુ ઉમેરવી નહિ અને બધી વસ્તુ તમારા સ્વાદ અનુસાર પ્રમાણ માં લઇ શકાય છે. તો ફટાફટ જાણી લો આ પાન નો મુખવાસ ઘરે બનાવવાની રીત.
તૈયારીનો સમય:૨૦ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
વ્યક્તિ માટે:૧ કિલો
પાન નો મુખવાસ રેસીપી બનાવવાની સામગ્રી:
- ૫૦ નાગરવેલ ના પાન (કપુરી પાન)
- ૨૦૦ ગ્રામ વરિયાળી
- ૨૦૦ ગ્રામ ધાણાદાળ
- ૨૦૦ ગ્રામ ગુલકંદ (સ્વાદ અનુસાર)
- ૧/૨ ચમચી કાથો
- ૫૦ ગ્રામ મીનાક્ષી પાન ચટણી
- ૧૦૦ ગ્રામ ખજૂર કતરી
- ૫૦ ગ્રામ ખાંડ
- ૧ કપ પાણી
- ૨૫૦ ગ્રામ ટુટીફૂટી (ઓપશનલ )
- ૫૦ ગ્રામ સળી સોપારી (મીઠી સોપારી)
- ૧ ચમચી લવલી
પાન નો મુખવાસ રેસીપી બનાવવા ના સ્ટેપ:
કપુરી પાન (નાગરવેલ ના પાન) ને બરાબર ધોઈ લો અને કોરા કરી લો.
પાન બરાબર કોરા થઇ જાય એટલે તેને ઝીણા ઝીણા સમારી લો અને ૧ દિવસ માટે ઘર માં સુકવી લો.
હવે એક કઢાઈ માં એક કપ પાણી અને ખાંડ મીક્ષ કરો અને ધીમા ગેસ પર તેને સતત હલાવતા રહો.
ખાંડ બધી ઓગળી જાય પછી તેમાં ૨-૩ ઉભરા આવવા દો અને ગેસ બંધ કરી દો.
હવે આ ખાંડ ના પાણી ને ઠંડુ થવા દો.
પાણી ઠંડુ થઇ જાય એટલે તેમાં લવલી, કાથો, મીનાક્ષી પાન ચટણી મીક્ષ કરો.
હવે તેમાં કપુરી પાન, ધાણાદાળ અને વરિયાળી મીક્ષ કરો.
બધું બરાબર મીક્ષ થઇ જાય એટલે મુખવાસ ને ઢાંકી ને એક દિવસ સુધી મૂકી રાખો.
પછી મુખવાસ માં ગુલકંદ, ટુટીફૂટી, ખજૂર કતરી મીક્ષ કરો.
હવે મુખવાસ ને એક વાસણ માં પહોળો કરો અને એક દિવસ માટે તાપ માં મૂકી દો. જેથી તેમાં રહેલો ભેજ જતો રહે.
પછી મુખવાસ માં સળી સોપારી મીક્ષ કરો. અને બરાબર હલાવો.
આ મુખવાસ ને હવા ચુસ્ત ડબ્બા માં ભરી લો.
મુખવાસ માં લવલી, સળી સોપારી, ટુટીફૂટી, ગુલકંદ સ્વાદ પ્રમાણે નાખવું. ના નાખવું હોય તો પણ ચાલે.