
પનીર બટર મસાલા રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. એટલે આજે હું પનીર બટર મસાલા રેસીપી લાવી છું. જો તને આ રીતે આ સબ્જી બનાવશો તો રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે. ઘર ના બધા ને બહુ ભાવશે અને વખાણ તો કરશે જ. જે લોકો એમ કેહતા હોય કે રેસ્ટોરન્ટ જેવી ના બને એના તો મ્હોં બંધ થઇ જશે. હા પણ અહીં બતાવેલી રીત અને માપ પ્રમાણે કરશો તો. આ એક દમ સરળ અને જલ્દી ફટાફટ બની જાય એવી રીત છે. તો આજે જ બનાવો પનીર બટર મસાલા રેસીપી અને કરી દો બધા ને ખુશ.
તૈયારીનો સમય:૧૫ મિનિટ
બનાવવા નો સમય:૨૦ -૨૫ મિનિટ
વ્યક્તિ માટે:૪
પનીર બટર મસાલા રેસીપી બનાવવાની સામગ્રી:
- 200 ગ્રામ પનીર, ચોરસ ટુકડા માં કાપેલા
- 5 ચમચી માખણ
- 1 ચમચી તેલ
- 1 તમાલપત્ર
- 4 કાળા મરી
- 10 કાજુ
- 1 મોટી ડુંગળી, કાપેલી
- 3 મોટા ટમેટાં, કાપેલા
- 7 કળી લસણ
- 1 ઇંચ આદુ નો ટુકડો
- 2 લીલા મરચા
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાઉડર
- 1 ચમચી ધાણા-જીરું પાવડર
- 1 ચમચી કસુરી મેથી
- 1/2 કપ તાજુ ક્રીમ
- 1 ચમચી મધ
- મીઠું સ્વાદ અનુસાર
- 2 ચમચી કોથમીર , સમારેલી
પનીર બટર મસાલા રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક કડાઈ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં તમાલપત્ર, ડુંગળી, મરિયા, લસણ, આદુ નાખો અને ૨ મિનિટ સાંતળો.
પછી એમાં કાપેલા ટામેટા, લીલા મરચા અને કાજુ નાખી હલાવો.
એમાં 1 કપ પાણી નાખો અને કડાઈ ને ઢાંકી ૧૦ મિનિટ સુધી ચડવા દો.
10 મિનિટ પછી ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દો.
મિશ્રણ ઠંડુ થયા પછી એને મિક્સર મા ઝીણું વાટી ને પેસ્ટ બનાવી લો.
હવે કડાઈ બટર ગરમ કરો એમાં જીરું નાખો. જીરું ફૂટી જાય એટલે એમાં હળદળ, લાલ મરચું, ધાણાજીરું નાખો અને હલાવો.
પછી એમાં વાટેલી પેસ્ટ અને મીઠું ઉમેરી હલાવો.
કડાઈ ને ઢાંકી દઈ એને ૫ મિનિટ સુધી ચડવા દો.
૫ મિનિટ પછી એમાં કસૂરી મેથી ઉમેરી ૧ મિનિટ સુધી ઉકાળવા દો.
હવે એમાં ક્રીમ અને મધ ઉમેરો અને ૨ મિનિટ સુધી ચડવા દો.
પછી એમાં પનીર ના ટુકડા મિક્સ કરો અને સ્ટોવ બંધ કરી દો.
સમારેલી કોથમીર થી સજાવો અને પીરસો.