પંજાબી અડદ દાળ ની ખીચડી રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
આખા ભારત માં ખીચડી બનતી હશે ને ખવાતી હશે. બધા જ રાજ્યો માં ખીચડી બનાવની રીત અલગ અલગ હોય પણ ખીચડી તો બનતી જ હોય. કેટલી બધી જાત ની ખીચડી હશે આપણા ભારત માં. પણ ગુજરાત માં સૌથી વધારે ખીચડી બને. રોજ મગ ની દાળ ની ખીચડી તો બનાવતા જ હશો પણ એના થી કંઈક અલગ અડદ ની દાળ ની ખીચડી પણ બનાવવી જોઈએ. આ એક પંજાબી રેસીપી છે. પંજાબ માં ઠંડી ની ઋતુ માં આ અડદ દાળ ની ખીચડી બહુ બને. મેં અહીંયા આખા અડદ નો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો અડદ ની ફોતરાં વળી દાળ નો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે દાળ નો ઉપયોગ કરો તો એને વધારે વાર પલાળવી નહિ. આ અડદ ની દાળ ની ખીચડી પણ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. તો રોજ ની એક ની એક ખીચડી કરતા બનાવો કંઈક અલગ પંજાબી અડદ દાળ ની ખીચડી, થઇ જશે બધા ખુશ.
તૈયારીનો સમય:૬-૭ કલાક
બનાવવા નો સમય:૨૦ મિનિટ
વ્યક્તિ માટે:૪
પંજાબી અડદ દાળ ની ખીચડી રેસિપી બનાવવાની સામગ્રી:
- ૩/૪ કપ આખા અડદ
- ૧ કપ ચોખા
- ૨ ચમચી ઘી
- ૩-૪ લવિંગ
- ૧/૨ ચમચી જીરું
- ૩ સૂકા લાલ મરચા
- ૧ ચમચી આદુ, સમારેલું
- ૨-૩ લીલા મરચા, સમારેલા
- ચપટી હિંગ
- મીઠું સ્વાદ અનુસાર
પંજાબી અડદ દાળ ની ખીચડી રેસિપી બનાવવા ના સ્ટેપ:
આખા અડદ ને ધોઈ લો અને પછી તેને ૬-૭ કલાક માટે પાણી માં પલાળી દો
ચોખા ને પણ ધોઈ ને અડધો કલાક માટે પાણી માં પલાળી દો
હવે એક કુકર માં ઘી ગરમ કરો અને તેમાં જીરું, લવિંગ હિંગ, સૂકા લાલ મરચા, મીક્ષ કરો
પછી તેમાં આદુ અને લીલા મરચા મીક્ષ કરો અને ૧-૨ મિનિટ માટે સાંતળો
તેમાં પલાળેલા અડદ, ચોખા, મીઠું અને ૨ અને ૧/૨ કપ પાણી મીક્ષ કરો
હવે કુકર નું ઢાંકણ બંધ કરી દો અને ૨-૩ સીટી વગાડો
કૂકરમાંથી બધી હવા નીકળી જાય પછી ખીચડી ને સર્વ કરવા ના બાઉલ માં કાઢી લો
ગરમ ગરમ ઘી સાથે આ પંજાબી અડદ દાળ ની ખીચડી પીરસો