રવા ઢોસા રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વળી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા પ્લેઇન રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને મસાલા રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. તો ફટાફટ જાણી લો આ રવા ઢોસા બનાવવાની રીત.
તૈયારીનો સમય:૨૫ મિનિટ
બનાવવા નો સમય:૧૫ મિનિટ
વ્યક્તિ માટે:૧૦ ઢોસા
રવા ઢોસા રેસિપી બનાવવાની સામગ્રી:
- ૧/૨ રવો અથવા સોજી
- ૧/૨ કપ ચોખા નો લોટ
- ૧/૪ કાપ મેંદા નો લોટ
- ૧ ચમચી દહીં
- ૪ કપ પાણી
- ૧ લીલું મરચું, સમારેલું
- ૧/૪ ચમચી જીરું
- ૧ નાની ડુંગળી, સમારેલી
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- ૧/૪ ચમચી મરી પાઉડર
- તેલ શેકવા માટે
- મીઠું સ્વાદ અનુસાર
રવા ઢોસા રેસિપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં રવો, ચોખાનો લોટ, મેંદો મીક્ષ કરો.
હવે તેમાં ૧ ચમચી દહીં, મીઠું અને ૨ અને ૧/૨ (અઢી) કપ પાણી ઉમેરો.
આ મિશ્રણ ને બરાબર મીક્ષ કરો જેથી બધું એક રસ થઇ જાય અને કોઈ ગાંઠા ના રહે.
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલું મરચું, જીરું, મરી પાઉડર, લીલી કોથમીર મીક્ષ કરો.
તેમાં વધેલું ૧ અને ૧/૨ (દોઢ) કપ પાણી મીક્ષ કરો. અને ખીરું તૈયાર કરો ખીરું પાણી જેટલું પાતળું હોવું જોઈએ.
હવે ખીરું ને ઢાંકીને ૨૦ મિનિટ માટે એક બાજુ મૂકી દો.
હવે ખીરું ને હલાવો અને જરૂર પડે તો પાણી મીક્ષ કરવું. (ખીરું પાણી જેટલું પાતળું હોવું જોઈએ)
ગેસ પર ઢોસા ની તવી ને ગરમ કરવા મુકો.
તવી ગરમ થઇ જાય એટલે તેમાં ઢોસા નું ખીરું પાથરો. ખીરું થોડે ઉપર થી રેડવું અને તવી ગોળ ફેરવવી એટલી આખી તવી માં બરાબર ફેલાય જાય.
હવે તેના પર થોડું તેલ લગાવો. અને ઢોસા ને આછા સોનેરી રંગ ના અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
ઢોસા ને તવી પરથી ઉતારી લો અને ગરમ ગરમ સંભાર અને ચટણી સાથે પીરસો.
તમે ઈચ્છો તો આ ઢોસા માં બટાકા ના મસાલો ભરી શકો છો. અને રવા મસાલા ઢોસા બનાવી શકો છો.