સેવ ખમણી રેસીપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
સેવ ખમણી, નામ સાંભળી ને જ મ્હોં માં પાણી આવી જાય. સેવ ખમણી એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે જે ખમણ માંથી બનાવા માં આવે છે. સુરતી સેવ ખમણી એમાં બહુ જ પ્રખ્યાત. આમ તો સેવ ખમણી બનાવી બહુ જ સહેલી હોય છે. એમાં વધારે મેહનત કરવી પડતી નથી. તમે બહાર થી તૈયાર ખમણ લાવી ને પણ ઘરે સેવ ખમણી બનાવી શકો છો અને ઘરે ખમણ બનાવી ને પણ સેવ ખમણી બનાવી શકો છો. જો ખાતા ઢોકળા વધ્યા હોય તો એની પણ તમે સેવ ખમણી બનાવી શકો છો. એ પણ બહુ જ સ્વાદિષ્ટ બનશે. જાણી લો મ્હોં માં પાણી લાવી દે એવી સુરતી સેવ ખમણી બનાવની રીત.
તૈયારીનો સમય:૫ મિનિટ
બનાવવા નો સમય:૫ મિનિટ
સેવ ખમણી રેસીપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ વાટી દાળ ના સાદા ખમણ/ વઘાર્યા વગર ના
- ૨ કપ ઝીણી નાયલોન સેવ
- ૨ ચમચી રાય
- ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
- ૧ ચમચી આદુ ની પેસ્ટ
- ૧ ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર
- ૩-૪ લીલા મરચા, સમારેલા
- ૩ ચમચી તેલ
- ૨ ચમચી લીલી કોથમીર, સમારેલી
- ૪-૫ ચમચી દાડમ ના દાણા
- મીઠું સ્વાદ અનુસાર
સેવ ખમણી રેસીપી બનાવવા ના સ્ટેપ:
એક વાસણ માં ખમણ લો અને તેનો ભૂકો કરી લો
હવે એક કડાઈ માં તેલ ગરમ કરો અને તેમાં રાય નાખો
રાય ફૂટી જાય એટલે તેમાં લસણ ની પેસ્ટ, આદુ ની પેસ્ટ અને લીલા મરચા મિક્ષ કરો અને ૧-૨ મિનિટ સુધી સાંતળો
હવે તેમાં ૨ કપ પાણી અને ખાંડ ઉમેરો અને બરાબર મિક્ષ કરો
ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિશ્રણ ને હલાવતા રહો અને પાણી ને ૨-૩ મિનિટ ઉકળવા દો
પાણી ઉકળી જાય એટલે તેમાં ભૂકો કરેલા ખમણ મિક્ષ કરો અને બરાબર હલાવો
બધું બરાબર મિક્ષ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો
હવે આ ગરમ ખમણ ના ભુકા ને એક ડીશ માં કાઢી લો
તેની પર ઝીણી નાયલોન સેવ, કોથમીર અને દાડમ ના દાણા ભભરાવો અને પીરસો