સુરતી લોચો રેસિપી
Ripalરેસીપી
બનાવવા ની રીત:
કહેવાય છે કે સુરતી નું જમણ અને કાશી નું મરણ દુનિયા નું સૌથી શ્રેષ્ટ. એટલે સુરતી જમણ તો બહુ જ પ્રખ્યાત છે. એટલે હું અહીંયા સુરત ની એક એવી જ પ્રખ્યાત રેસીપી લઇ ને આવી છું. એ છે સુરતી લોચો રેસીપી. સુરત માં લોચો બહુ જ ખવાય. આપણે પણ જો સુરત જઈએ તો ત્યાં જઈને લોચો એક વાર તો ખાઈ એ જ. મને પોતાને પણ સુરતી લોચો બહુ જ ભાવે છે. ગરમ ગરમ લોચો ખાવાની બહુ જ મજા આવે. સુરત માં મળે એવો લોચો બીજે ક્યાંય મળે નહિ. એટલે જે સુરત ની બહાર હોય તેમને તો ઘરે જ બનાવો પડે. એટલે જ મેં અહીંયા સુરતી લોચા ની રેસીપી રીતસર બતાવી છે જેથી તમે ઘરે જ એવો સુરત જેવો લોચો બનાવી શકો. તો ફટાફટ જાણી લો સુરત જેવો લોચો બનાવની રીત. હવે પછી ઘરે જ બનાવો આ સુરતી લોચો અને કરી દો ઘર ના બધા ને ખુશ.
તૈયારીનો સમય:૧૦-૧૨ કલાક
બનાવવા નો સમય:૧૦ મિનિટ
સુરતી લોચો રેસિપી બનાવવાની સામગ્રી:
- ૨૫૦ ગ્રામ ચણા ની દાળ
- ૧ કપ પૌઆ
- ૧/૨ ચમચી તેલ
- ૧ ચમચી આદુ ની પેસ્ટ
- ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
- ૧/૪ ચમચી હળદર
- ચપટી હિંગ
- ૧ કપ છાશ
- ૧ ચમચી લાલ મરચું
- ૧ ચમચી ઇનો અથવા ૧/૨ ચમચી ખાવા નો સોડા
- મીઠું સ્વાદ અનુસાર
સુરતી લોચો રેસિપી બનાવવા ના સ્ટેપ:
ચણા ની દાળ ને બરાબર ધોઈ લો અને ૪-૫ કલાક માટે પલાળી દો
હવે પૌઆ ને પણ બરાબર ધોઈ લો
હવે એક મિક્ષર જાર માં પલાળેલી ચણા ની દાળ અને પૌઆ મિક્ષ કરો અને તેને પીસી લો (બહુજ બારીક પીસવું નહિ)
હવે આ મિશ્રણ ને એક વાસણ માં કાઢો અને તેમાં છાશ અને મીઠું મિક્ષ કરો
આ વાસણ ને ઢાંકી ને ૪-૫ કલાક માટે એક બાજુ ગરમ જગ્યા માં રહેવા દો
૪-૫ કલાક પછી ખીરું માં આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ, હળદર મિક્ષ કરો
લોચા નું ખીરું એ ઢોકળા ના ખીરા કરતા સહેજ વધારે ઢીલું હોય છે એટલે એ મુજબ પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું
હવે ઢોકળીયા માં પાણી ગરમ કરો અને થાળી માં તેલ ચોપડી લો
પછી ખીરું માં ઇનો અથવા ખાવા નો સોડા બરાબર મિક્ષ કરો અને તેલ લગાવેલી થાળી માં રેડી દો
થાળી ને ઢોકળીયા માં મૂકી દો અને ૧૦-૧૫ મિનિટ માટે ચડવા દો
લોચો બરાબર ચડી જાય એટલે થાળી ઢોકળીયા માંથી કાઢી લો
ગરમ ગરમ લોચા ઉપર તેલ અથવા બટર ઉમેરો અને લાલ મરચું અને થોડો ચાટ મસાલો ભભરાવો
ગરમ ગરમ લોચો પીરસો